Ticker

6/recent/ticker-posts

રાજકોટના ખાનગી સ્કૂલ-સંચાલકોની ધમકી, ‘10 ડિસેમ્બર સુધીમાં વાલીઓ ફી ભરે ?

 

લુખ્ખી દાદાગીરી:રાજકોટના ખાનગી સ્કૂલ-સંચાલકોની ધમકી, ‘10 ડિસેમ્બર સુધીમાં વાલીઓ ફી ભરે, નહીંતર તેમનાં બાળકોનો ઓનલાઇન અભ્યાસ બંધ!’


  • ચોરી પર સિનાજોરી કરતાં પાછા સંચાલકો ફી ન ભરી શકે તેવા વાલીઓને સરકારની ચેનલ પર સંતાનોને ભણાવવાની સલાહ આપે છે
  • કોરોનાના હાહાકાર વચ્ચે કોઈપણ ભોગે સ્કૂલો ખોલવા મરણિયા બનેલા શિક્ષણમંત્રીનું સમગ્ર મામલે ભેદી મૌન
  • રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને ચાલુ વર્ષે ફીમાં 25 ટકા માફી આપ્યા બાદ પણ વાલીઓ અને સંચાલકો વચ્ચે ફીના મુદ્દે ચાલતો વિવાદ શમવાનું નામ લેતો નથી, જેને પગલે 10મી ડિસેમ્બર સુધીમાં ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓનું ઓનલાઇન એજ્યુકેશન બંધ કરવાનો નિર્ણય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે લીધો છે. આ પરિપત્ર બાદ પણ વાલીઓ અને સ્કૂલ-સંચાલકો વચ્ચે ફીના મુદ્દે હાલમાં ઘર્ષણ ચાલી રહ્યું છે અને સંખ્યાબંધ વાલીઓ ચાલુ વર્ષે નોકરી-ધંધામાં નુકસાનીના કારણે ફી ન ભરી શકતાં સ્કૂલ- સંચાલકો સાથે વિવાદની ઘટનાઓ બની રહી છે. ત્યારે ફરી એક વખત ખાનગી સ્કૂલ-સંચાલક મંડળે ફી મુદ્દે આકરો નિર્ણય લીધો છે, જેમાં ફી ન ભરનાર વાલીઓનાં સંતાનોને 10 ડિસેમ્બરથી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે નહી એવો નિર્ણય લીધો છે.

    ખાનગી સ્કૂલને સર્વાઈવલના પ્રશ્નો થતાં આ નિર્ણય કરાયાનો દાવો
    રાજકોટની સ્વનિર્ભર શાળા-સંચાલક મંડળે ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓનું 10મી ડિસેમ્બરથી ઓનલાઇન શિક્ષણ બંધ કરી દેવાનો અને વાલીઓને સરકારની ચેનલ મારફત સંતાનોને ભણાવવાની સલાહ આપવાનો નિર્ણય કર્યો છે. ખાનગી સ્કૂલને સર્વાઈવલના પ્રશ્નો થતાં આ નિર્ણય કરાયાનો દાવો થઈ રહ્યો છે. ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપ-પ્રમુખ જતીન ભરાડ દ્વારા આજે પ્રેસ-કોન્ફરન્સ યોજી નિર્ણય સંભળાવ્યો હતો. આ નિર્ણયમાં મોટા ભાગની સ્કૂલો જોડાય એવી શક્યતા છે.

    આ પણ વાંચોઃ વાલીઓ કહે છે, બસ હવે બહુ થયું, આ ઓનલાઇન શિક્ષણનું તૂત બંધ કરો, આમેય એનાથી વિદ્યાર્થીઓને નુકસાન જ થતું હોય છે

    અગાઉ ઓનલાઇન શિક્ષણ બંધ કરવા બાબતે બે મોટાં ખાનગી શાળા-સંચાલક મંડળ વચ્ચે ફાંટા પડી ગયા હતા
    ચાર મહિના પહેલાં પણ શાળા-સંચાલકોમાં ભાગલા પડ્યા હતા અને ઓનલાઈન શિક્ષણ બંધ કરવાને લઈને વિવાદ સર્જાયો હતો. કોરોના મહામારી વચ્ચે ખાનગી સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલવા ઉઘરાણીના વિવાદ વચ્ચે રાજ્યના સૌથી મોટા ખાનગી શાળા-સંચાલક મંડળે ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે બીજી તરફ, ગુજરાત રાજ્ય શાળા-સંચાલક મહામંડળે સ્પષ્ટતા કરી હતી કે ઓનલાઈન શિક્ષણ બંધ કરવા બાબતે તેમની સંસ્થાએ કોઈ નિર્ણય લીધો નથી. રસપ્રદ હતું કે સરકારે સ્કૂલ ખૂલતા સુધી ફી નહીં વસૂલવાનો ઠરાવ કર્યો હતો, ત્યારે ગુજરાત રાજ્યની ખાનગી સ્કૂલોના સંચાલકોની બેઠક મળી હતી અને તેમાં ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. આમ, ઓનલાઈન શિક્ષણ બંધ કરવા બાબતે બે મોટાં ખાનગી શાળા-સંચાલક મંડળ વચ્ચે ફાંટા પડી ગયા હતા

    આ પણ વાંચોઃ ઓનલાઈન ક્લાસીસ માટે ટ્યૂશન ફી વસૂલવા ખાનગી સ્કૂલોને ગુજરાત હાઈકોર્ટની મંજૂરી

    વાલીઓની વારંવાર રજૂઆત બાદ ફરી ઓનલાઈન શિક્ષણ શરૂ થયું હતું
    ચાર મહિના પહેલાં ઓનલાઈન શિક્ષણ બંધ થતાં વાલીઓની વારંવાર રજૂઆતો બાદ આખરે રાજ્યની 16 હજાર ખાનગી સ્કૂલોના 43 લાખ વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ ફરી શરૂ કરવામાં આવ્યું હતું. ફી ભરી હોય કે ન ભરી હોય, તમામ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાનું ફરીથી શરૂ થયું હતું. ખાનગી સ્કૂલોને લોકડાઉન દરમિયાનની ફી ન લેવાના સરકારના નિર્ણય સામે સ્કૂલ-સંચાલકોએ ઓનલાઈન ક્લાસ બંધ કર્યા હતા. જોકે સરકાર પણ લડાયક મૂડમાં આવી જતાં સંચાલકોની મીટિંગમાં ઓનલાઈન ક્લાસ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો અને ઓનલાઈન શિક્ષણ ફરી શરૂ થયું હતું.

    શિક્ષણમંત્રીને કોરોનામાં સ્કૂલો ચાલુ કરવી છે, પણ સંચાલકો સામે ‘ચૂપ’
    ઉલ્લેખનીય છે કે, આપણા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા કોઈ પણ ભોગે 23 નવેમ્બરથી સ્કૂલો શરૂ કરાવવા માગતા હતા. કોરોનાના આ કપરાકાળમાં પોતાની નાહકની જીદને લીધે બિચારા બાળકોનું શું થશે તેનો તેમણે વિચાર સુદ્ધાં કર્યો નહોતો. આ તો મામલો દિલ્હી દરબારમાં પહોંચ્યો અને ગુજરાત સરકારને હમણાં સ્કૂલો શરૂ ન કરવા સૂચના મળી એટલે આ નિર્ણય પડતો મૂકાયાનું સૂત્રો કહે છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે હજારો વિદ્યાર્થીઓને ફક્ત ફીના મામલે શિક્ષણ બંધ કરી દેવાની આમ ખાનગી સ્કૂલ સંચાલકો ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા હોય તો પણ શિક્ષણમંત્રી ચૂપ છે. આ મામલે લોકોમાં ભારે આશ્ચર્ય છે.



Post a Comment

0 Comments