Ticker

6/recent/ticker-posts

GEETA SAAR | Shreemad Bhagvad Geeta | Shlok

 GEETA SAAR | Shreemad Bhagvad Geeta | Shlok


bhagavad gita
bhagavad gita quotes
bhagavad gita summary
bhagavad gita pdf
bhagavad gita online
bhagavad gita chapter 1
bhagavad gita definition
bhagavad gita chapter 2


શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે. ગીતા હિંદુ ધર્મનો ગણાતો હોવા છતાં ફક્ત હિંદુઓ પૂરતો સીમિત ન રહેતાંં પૂરા માનવસમાજ માટેનો ગ્રંથ ગણાય છે, અને વિશ્વચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધું છે. હિંદુ ધર્મનાં ઘણા ધર્મગ્રંથો છે, પરંતુ ગીતાનું મહત્ત્વ અલૌકિક છે. ગીતાને સ્મૃતિ ગ્રંથ માનવામાં આવે છે.

મૂળ ભગવદ્ ગીતા સંસ્કૃતમાં રચાયેલી છે, જેમાં કુલ ૧૮ અધ્યાય અને ૭૦૦ શ્લોકો છે. પૂરી ગીતા, થોડા શ્લોકોના અપવાદ સિવાય, અનુષ્ટુપ છંદમાં છે. ગીતાનો સમયકાળ આશરે ઇ.સ. પૂર્વે ૩૦૬૬નો માનવામાં આવે છે.

👉ભારતના બે આદિગ્રંથો પૈકીનું મહાભારત મહર્ષિ વેદવ્યાસે રચેલું છે. મહાભારત પાંડવો અને કૌરવો વચ્ચેના રાજકીય કાવાદાવા, સ્પર્ધા, અને અંતે યુદ્ધની કથા છે. મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે પાંડવ અર્જુન પોતાના મિત્ર, માર્ગદર્શક, અને સારથી બનેલા શ્રી કૃષ્ણને રથને બન્ને સેના વચ્ચે લેવાનું કહે છે. બન્ને સેનાનું વિહંગાવલોકન કરતી વખતે અર્જુનને લાખો લોકોના મૃત્યુનો ખ્યાલ આવ્યો. યુદ્ધના પરિણામોથી તે ભયભીત થઈ, યુદ્ધ ન કરવાના વિચારો કરવા લાગ્યો. તેના હાથમાંથી ધનુષ્ય પડી જાય છે અને તે રથમાં બેસી પડે છે અને કોઈ માર્ગ ન સૂઝતાં કૃષ્ણને માર્ગદર્શન માટે પૂછે છે. અર્જુન અને કૃષ્ણના સંવાદો મહાભારતના ભીષ્મ પર્વમાં છે. તે અઢાર અધ્યાયો ગીતા તરીકે પ્રચલિત છે.

ગીતામાં અર્જુન માનવનું પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરફથી ભગવાન કૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્નો કરે છે. ગીતા મુજબ માનવ-જીવન એક યુદ્ધ છે જેમાં દરેકે લડવું પડે. યુદ્ધમાં પીછેહઠ કર્યા વગર આગળ વધવું તે ગીતાનો સંદેશ છે.

ગીતાના અઢારમા અધ્યાયના અંતે ભગવાન કહે છે કે - સાચો માર્ગ શું છે તે મેં તને જણાવ્યું, હવે તારે જે પ્રમાણે વર્તવું હોય તે મુજબ કરો. આમ ગીતા કોઈ સામાન્ય ધર્મગ્રંથની જેમ કશું કરવા માટે આગ્રહ કરતી નથી, પરંતુ સાચો માર્ગ બતાવી માનવને નિર્ણય લેવા માટે સ્વતંત્રતા આપે છે.


શ્લોકો અનુવાદ સાથે


🙏यज्ज्ञात्वा न पुनर्मोहमेवं यास्यसि पाण्डव ।
येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यथो मयि ॥४-३५॥

હે પાંડવ, આ રીતે જ્ઞાન પામ્યા પછી તને મોહ નહીં થાય અને તું તારા પોતામાં તથા અન્ય જીવોમાં મને (પરમાત્માને) નિહાળી શકીશ.(૩૫)

अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः ।
सर्वं ज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि ॥४-३६॥

જો તું અધમાધમ પાપી હોઈશ તો પણ જ્ઞાન રૂપી નાવમાં બેસીને પાપના સમુદ્રને પાર કરી જઈશ.(૩૬)

🙏यथैधांसि समिद्धोऽग्निर्भस्मसात्कुरुतेऽर्जुन ।
ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात्कुरुते तथा ॥४-३७॥

જેવી રીતે પ્રજ્વલિત થયેલ અગ્નિ કાષ્ઠને બાળી નાખે છે, તેવી રીતે જ્ઞાનનો અગ્નિ બધા કર્મોને ભસ્મ કરી નાખે છે. (૩૭)

न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते ।
तत्स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दति ॥४-३८॥

જ્ઞાનથી અધિક પવિત્ર આ સંસારમાં બીજું કશું જ નથી. યોગમાં સિદ્ધ થયેલ પુરુષ આ જ્ઞાનને પ્રાપ્ત કરે છે.(૩૮)

🙏श्रद्धावाँल्लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः ।ज्
ञानं लब्ध्वा परां शान्तिमचिरेणाधिगच्छति ॥४-३९॥

શ્રદ્ધાવાન અને જિતેન્દ્રિય મનુષ્ય જ્ઞાન (સત્ય-પરમ-જ્ઞાન) ને પ્રાપ્ત કરે છે, અને આ જ્ઞાન થી તે તરત જ શાંતિ પ્રાપ્ત કરે છે.(૩૯)

अज्ञश्चाश्रद्दधानश्च संशयात्मा विनश्यति ।
नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः ॥४-४०॥

જ્યારે આત્મજ્ઞાન વિનાનો, શ્રદ્ધાહીન તથા સંશયી મનુષ્ય એ જ્ઞાન મેળવી શકતો નથી અને વિનાશ પામે છે. તેવા મનુષ્યને આ લોક કે પરલોકમાં ક્યાંય સુખ મળતું નથી.(૪૦)

🙏योगसंन्यस्तकर्माणं ज्ञानसंछिन्नसंशयम् ।
आत्मवन्तं न कर्माणि निबध्नन्ति धनंजय ॥४-४१॥

હે ધનંજય, જેણે યોગ દ્વારા પોતાના સમસ્ત કર્મોનો ત્યાગ કર્યો છે અને જ્ઞાન વડે જેણે પોતાના સંશયો છેદી નાખ્યા છે તેવા આત્મનિષ્ઠ પુરુષને કર્મ બંધનકર્તા નથી થતું. (૪૧)

तस्मादज्ञानसम्भूतं हृत्स्थं ज्ञानासिनात्मनः ।
छित्त्वैनं संशयं योगमातिष्ठोत्तिष्ठ भारत ॥४-४२॥

એથી હે ભારત, તારા હૃદયને જેણે શોકથી હણી નાખ્યું છે એવા અજ્ઞાનથી પેદા થયેલ સંશયને તું જ્ઞાનરૂપી શસ્ત્રથી છેદી નાખ અને યોગમાં સ્થિત થઈ યુદ્ધ માટે તૈયાર થઈ જા.(૪૨)

...અધ્યાય ૪, જ્ઞાન-કર્મ-સન્યાસ-યોગ સમાપ્ત...

અધ્યાય ૫: કર્મ સન્યાસ યોગ


🙏संन्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि ।
यच्छ्रेय एतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितम् ॥५-१॥

અર્જુને કહ્યું : હે કૃષ્ણ ! આપ એક તરફ કર્મ ના ત્યાગ ના વખાણ કરો છો અને બીજી તરફ કર્મયોગ ના વખાણ કરો છો.તો એ બે માંથી જે કલ્યાણકારી હોય તે મને કહો.(૧)

संन्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ ।
तयोस्तु कर्मसंन्यासात्कर्मयोगो विशिष्यते ॥५-२॥

શ્રી ભગવાન બોલ્યા: કર્મો નો ત્યાગ અને કર્મયોગ બન્ને કલ્યાણકારક છે, પરંતુ એ બન્નેમાં કર્મો ના ત્યાગથી કર્મયોગ શ્રેષ્ઠ છે. (૨)

🙏ज्ञेयः स नित्यसंन्यासी यो न द्वेष्टि न काङ्क्षति ।
निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात्प्रमुच्यते ॥५-३॥

હે મહાબાહો ! જે કોઈનો દ્વેષ કરતો નથી, જે કોઈ અભિલાષા રાખતો નથી, તેને નિત્ય સંન્યાસી જાણવો. આવો રાગ દ્વેષ વિનાનો મનુષ્ય દ્વંદ્વરહિત બની સંસાર બંધનમાંથી સુખપૂર્વક મુક્ત થાય છે. (૩)

सांख्ययोगौ पृथग्बालाः प्रवदन्ति न पण्डिताः ।
एकमप्यास्थितः सम्यगुभयोर्विन्दते फलम् ॥५-४॥

સંન્યાસ અને કર્મયોગ ફળની દ્રષ્ટિએ અલગ અલગ છે એમ અજ્ઞાનીઓ માને છે, પરંતુ જ્ઞાનીઓ એમ કહેતા નથી. બન્નેમાંથી એક નું પણ ઉત્તમ રીતે અનુષ્ઠાન કરનાર બંનેના ફળ ને પ્રાપ્ત કરે છે. (૪)

🙏यत्सांख्यैः प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते ।
एकं सांख्यं च योगं च यः पश्यति स पश्यति ॥५-५॥

જે મોક્ષપદ જ્ઞાનયોગ દ્વારા પ્રાપ્ત થઇ શકે છે, તે જ પદ નિષ્કામ કર્મયોગ દ્વારા પણ પ્રાપ્ત કરી શકાય છે. એ માટે જ સાંખ્ય તથા કર્મયોગ ને જે એકજ સમજે છે તે સાચો જ્ઞાની છે. (૫)

संन्यासस्तु महाबाहो दुःखमाप्तुमयोगतः ।
योगयुक्तो मुनिर्ब्रह्म नचिरेणाधिगच्छति ॥५-६॥

હે મહાબાહો ! કર્મયોગ ના અનુષ્ઠાન વગર સંન્યાસ પ્રાપ્ત કરવો કઠીન છે. જયારે કર્મયોગી મુનિ જલદીથી સંન્યાસ પ્રાપ્ત કરી બ્રહ્મ ને પામે છે.(૬)

🙏योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः ।
सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते ॥५-७॥

કર્મયોગ ના આચરણ થી જેનું અંત:કરણ શુદ્ધ થઇ ગયું છે, જે મનને વશ કરનારો, ઈન્દ્રિયોને જીતનારો છે અને જેનો આત્મા સર્વ ભૂતો નો આત્મા બની ગયો છે,તે મનુષ્ય કર્મો કરે છે છતાં તેનાથી લેપાતો નથી.(૭)

नैव किंचित्करोमीति युक्तो मन्येत तत्त्ववित् ।
पश्यञ्श्रृण्वन्स्पृशञ्जिघ्रन्नश्नन्‌गच्छन्स्वपञ्श्वसन् ॥५-८॥

યોગયુક્ત બનેલો તત્વજ્ઞાની પોતે જોતાં, સાંભળતાં, સ્પર્શ કરતાં, સુંઘતાં, ખાતાં, પીતાં, ચાલતાં, નિંદ્રા લેતાં, શ્વાસોશ્વાસ લેતાં, બોલતાં, ત્યાગ કરતાં, ગ્રહણ કરતાં. (૮)

🙏प्रलपन्विसृजन्गृह्णन्नुन्मिषन्निमिषन्नपि ।
इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् ॥५-९॥

આંખ ઉઘડતાં મીંચતાં હોવા છતાં ઇન્દ્રિયો પોત પોતાના વિષય માં પ્રવૃત થાય છે એમ સમજીને હું કંઈ કરતો નથી એમ નિશ્વયપૂર્વક માને છે.(૯)

ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः ।
लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा ॥५-१०॥

જે મનુષ્ય ફળ ની ઈચ્છા નો ત્યાગ કરી સર્વ ફળ બ્ર્હ્માપર્ણ બુદ્ધિ થી કરે છે, એ કમળપત્ર જેમ પાણી માં રહેવા છતાં ભીંજાતું નથી, તેમ પાપ વડે લેપાતો નથી.(૧૦)

🙏कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि ।
योगिनः कर्म कुर्वन्ति सङ्गं त्यक्त्वात्मशुद्धये ॥५-११॥

યોગીઓ માત્ર મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોથી ફળની આસક્તિ છોડી દઈઆત્માની શુદ્ધિ માટે કર્મો કરે છે.(૧૧)

युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् ।
अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते ॥५-१२॥

કર્મયોગી મનુષ્ય કર્મફળને ત્યજીને સત્વશુદ્ધિના ક્રમથી થયેલી શાંતિને પ્રાપ્ત કરે છે. જયારે સકામ મનુષ્ય કામના વડે ફળની આસક્તિ રાખી બંધનમાં પડે છે.(૧૨)

🙏सर्वकर्माणि मनसा संन्यस्यास्ते सुखं वशी ।
नवद्वारे पुरे देही नैव कुर्वन्न कारयन् ॥५-१३॥

દેહને વશ કરનારો મનુષ્ય સર્વ કર્મોને માનસિક રીતે ત્યાગીને નવ દરવાજા વાળા નગરમાં સુખપૂર્વક રહે છે.તે કંઈ જ કરતો નથી અને કંઈ જ કરાવતો નથી.(૧૩)

न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः ।
न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते ॥५-१४॥

આત્મા દેહાદિક ના કર્તાપણાને ઉત્પન કરતો નથી, કર્મોને ઉત્પન કરતો નથી કે કર્મફળ ના સંયોગ ને ઉત્પન કરતો નથી, પરંતુ તે અવિદ્યારૂપ માયાનો જ સર્વ ખેલ છે.(૧૪)

🙏नादत्ते कस्यचित्पापं न चैव सुकृतं विभुः ।
अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः ॥५-१५॥

પરમેશ્વર કોઈનાં પાપ કે પુણ્યને પોતાના શિરે વહોરી લેતા નથી, પરંતુ જ્ઞાન અજ્ઞાન વડે ઢંકાયેલું છે. તેને લીધે સર્વ જીવો મોહ પામે છે.(૧૫)

ज्ञानेन तु तदज्ञानं येषां नाशितमात्मनः ।
तेषामादित्यवज्ज्ञानं प्रकाशयति तत्परम् ॥५-१६॥

વળી જેમનું એ અજ્ઞાન આત્માના જ્ઞાન વડે નાશ પામેલું છે, તેમનું તે જ્ઞાન સૂર્યની જેમ પરબ્રહ્મને પ્રકાશિત કરે છે.(૧૬)

🙏तद्‌बुद्धयस्तदात्मानस्तन्निष्ठास्तत्परायणाः ।
गच्छन्त्यपुनरावृत्तिं ज्ञाननिर्धूतकल्मषाः ॥५-१७॥

તે પરબ્રહ્મમાં જ જેમની બુદ્ધિ સ્થિત થઇ છે તે બ્રહ્મ જ તેમનો આત્મા છે. તેમનામાં જ તેમની સંપૂર્ણ નિષ્ઠા છે. તેઓ તેમના જ પરાયણ બની જાય છે. જ્ઞાન વડે જેમનાં પાપકર્મો નાશ પામેછે તેઓ જન્મમરણના ચક્કર માં પડતા નથી.(૧૭)

विद्याविनयसंपन्ने ब्राह्मणे गवि हस्तिनि ।
शुनि चैव श्वपाके च पण्डिताः समदर्शिनः ॥५-१८॥

જે જ્ઞાનીજન વિદ્યા અને વિનય આદિના ગુણોવાળા છે તે પંડિત, બ્રાહ્મણ, ગાય, હાથી, કુતરો, ચંડાળ વગેરે સર્વમાં સમાન દ્રષ્ટિવાળા હોય છે.(૧૮)

🙏इहैव तैर्जितः सर्गो येषां साम्ये स्थितं मनः ।
निर्दोषं हि समं ब्रह्म तस्माद्ब्रह्मणि ते स्थिताः ॥५-१९॥

જેમનું મન સમત્વ(પરમાત્મા) માં રહ્યું છે તે સમદર્શી મનુષ્યે આ જન્મમાં જ સંસારને જીતી લીધો છે. કારણ કે બ્રહ્મ દોષથી રહિત અને સમાન હોવાથી એ મનુષ્ય બ્રહ્મમાં સ્થિત રહે છે.(૧૯)

न प्रहृष्येत्प्रियं प्राप्य नोद्विजेत्प्राप्य चाप्रियम् ।
स्थिरबुद्धिरसंमूढो ब्रह्मविद्ब्रह्मणि स्थितः ॥५-२०॥

જેની બુદ્ધિ સ્થિર થયેલી છે, જેનું અજ્ઞાન નાશ પામ્યું છે અને જે બ્રહ્મમાં સ્થિર થયો છે એવો બ્રહ્મવેત્તા મનુષ્ય તે પ્રિય પદાર્થો મેળવીને હર્ષ પામતો નથી અને અપ્રિય પદાર્થો પામીને દુઃખી થતો નથી.(૨૦)

🙏बाह्यस्पर्शेष्वसक्तात्मा विन्दत्यात्मनि यत् सुखम् ।
स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते ॥५-२१॥

ઇન્દ્રિયોના સ્પર્શથી ઉત્પન થનાર સુખોમાં આસક્તિ રહિત ચિત્તવાળો મનુષ્ય આત્મામાં રહેલા સુખને પામે છે. એવો પરબ્રહ્મ સ્વરૂપ પ્રાપ્ત થયેલો મનુષ્ય અક્ષય સુખ નો અનુભવ કરે છે.(૨૧)

ये हि संस्पर्शजा भोगा दुःखयोनय एव ते ।
आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः ॥५-२२॥

હે કાંન્તેય ! ઇન્દ્રિયો અને વિષયોના સ્પર્શથી ઉત્પન થયેલા જે ભોગો છે તે સર્વ ઉત્પતિ અને નાશ ને વશ હોવાથી દુઃખના કારણરૂપ છે. એટલા માટે જ્ઞાનીજનો તેમાં પ્રીતિ રાખતા નથી.(૨૨)

🙏शक्नोतीहैव यः सोढुं प्राक्शरीरविमोक्षणात् ।
कामक्रोधोद्भवं वेगं स युक्तः स सुखी नरः ॥५-२३॥

શરીર નો નાશ થવા પહેલાં જે મનુષ્ય કામ અને ક્રોધથી ઉત્પન થયેલા વેગને સહન કરી શકે છે તે મનુષ્ય આ લોકમાં યોગી છે અને તે સાચો સુખી છે.(૨૩)

योऽन्तःसुखोऽन्तरारामस्तथान्तर्ज्योतिरेव यः ।
स योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति ॥५-२४॥

જે અંતરાત્મા માં સુખનો અનુભવ કરે છે તથા આત્મા માં જ રમણ કરે છે, જેના અંતરાત્મામાં જ્ઞાન રૂપી પ્રકાશ પથરાઈ ગયો છે તે યોગી બ્રહ્મસ્વરૂપ બની પરબ્રહ્મમાં જ નિર્વાણ પામે છે.(૨૪)

🙏लभन्ते ब्रह्मनिर्वाणमृषयः क्षीणकल्मषाः ।
छिन्नद्वैधा यतात्मानः सर्वभूतहिते रताः ॥५-२५॥

જેના પાપાદિ દોષો નાશ પામ્યા છે, જેના સંશયો છેદાઈ ગયા છે, જેમનાં મન-ઇન્દ્રિયો વશમાં થઇ ગયા છે અને જે પ્રાણીમાત્રના હિત માટે તત્પર છે, એવા ઋષિઓ બ્રહ્મનિર્વાણને પામે છે.(૨૫)

कामक्रोधवियुक्तानां यतीनां यतचेतसाम् ।
अभितो ब्रह्मनिर्वाणं वर्तते विदितात्मनाम् ॥५-२६॥

જેઓ કામ-ક્રોધથી રહિત છે, જેમણે ચિત્તને વશમાં રાખ્યું છે,અને જેઓ આત્મસાક્ષાત્કાર પામેલા છે એવા યોગીઓ સર્વ અવસ્થામાં પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થાય છે.(૨૬)

🙏स्पर्शान्कृत्वा बहिर्बाह्यांश्चक्षुश्चैवान्तरे भ्रुवोः ।
प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ ॥५-२७॥

બહારના વિષયોને વૈરાગ્ય દ્વારા બહાર કાઢીને તથા દ્રષ્ટિને ભ્રમરની મધ્યમાં સ્થિર કરીને નાકની અંદર ગતિ કરનારા પ્રાણ તથા અપાનવાયુને સમાન કરીને.(૨૭)

यतेन्द्रिय मनोबुद्धिर्मुनिर्मोक्षपरायणः ।
विगतेच्छाभयक्रोधो यः सदा मुक्त एव सः ॥५-२८॥

જેણે ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિ વશ કર્યા છે તથા જેનાં ઈચ્છા, ભય અને ક્રોધ દુર થયાંછે એવા મુનિ મોક્ષપરાયણ છે તે સદા મુક્ત જ છે.(૨૮)

🙏भोक्तारं यज्ञतपसां सर्वलोकमहेश्वरम् ।
सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमृच्छति ॥५-२९॥

સર્વ યજ્ઞ અને તપનો ભોક્તા, સર્વ લોકોનો મહેશ્વર અને સર્વ ભૂતોનો પરમ મિત્ર હું જ છું. એ રીતે જે જાણે છે તે શાંતિને પ્રાપ્ત થાય છે.(૨૯)

...અધ્યાય ૫, કર્મ સન્યાસ યોગ સમાપ્ત...

અધ્યાય ૬: આત્મ સન્યાસ યોગ


🙏अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः ।
स संन्यासी च योगी च न निरग्निर्न चाक्रियः ॥६-१॥

શ્રી ભગવાન કહે: હે પાર્થ ! કર્મ ના ફળને ન ચાહીને કરવા યોગ્ય કર્મ કરે છે તેજ સંન્યાસી અને કર્મયોગી છે. કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી તેમજ કેવળ ક્રિયાઓને ત્યાગનારો પણ સંન્યાસી કે યોગી નથી.(૧)

यं संन्यासमिति प्राहुर्योगं तं विद्धि पाण्डव ।
न ह्यसंन्यस्तसंकल्पो योगी भवति कश्चन ॥६-२॥

હે પાંડવ ! જેને સંન્યાસ કહે છે તેને જ યોગ સમજ. મનના સંકલ્પોને ત્યાગ કર્યા સિવાય કોઈ પણ મનુષ્ય કર્મયોગી થઇ શકતો નથી.(૨)

🙏आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते ।
योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते ॥६-३॥

જે યોગીને ધ્યાનયોગ સિદ્ધ કરવો હોય તેને માટે વિહિત કર્મોનું આચરણ સાધન છે. પરંતુ યોગપ્રાપ્તી થઇ જાય પછી તેને સંપૂર્ણ કરવા માટે કર્મ નિવૃત્તિ જ શ્રેષ્ઠ સાધન બની જાય છે. પછી તે કર્મફળ માં લુબ્ધ થતો નથી.(૩)

यदा हि नेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्जते ।
सर्वसंकल्पसंन्यासी योगारूढस्तदोच्यते ॥६-४॥

જયારે મનુષ્ય ઇન્દ્રિયોના વિષયમાં અને કર્મોમાં આસક્ત થતો નથી અને સર્વ સંકલ્પોને છોડી દે છે ત્યારે તે યોગારૂઢ કહેવાય છે.(૪)

🙏उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् । 
आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ॥६-५॥

આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરવો પરંતુ આત્માને અધોગતિ ના માર્ગે લઇ જવો નહિ, કેમ કે આત્મા જ આત્માનો બન્ધુ છે અને આત્મા જ આત્માનો શત્રુ છે.(૫)

बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः ।
अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् ॥६-६॥

જેણે આત્માને જીતેન્દ્રિય બનાવ્યો છે, જીત્યો છે, તેનો આત્મા બન્ધુ છે. પરંતુ જેના આત્મા એ ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો નથી તેનો આત્મા જ તેનો શત્રુ છે.(૬)

🙏जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः । 
शीतोष्णसुखदुःखेषु तथा मानापमानयोः ॥६-७॥

જેણે પોતાનું મન ટાઢ-તડકો, સુખ-દુઃખ, માન-અપમાન વગેરે માં એક સરખું રાખ્યું છે, જે નિર્વિકાર રહે છે, તે સર્વ સ્થિતિ માં સમાન ભાવે રહે છે.(૭)

ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः ।
युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चनः ॥६-८॥

જે જ્ઞાન અને વિજ્ઞાન વડે તૃપ્ત થયો છે, જે જીતેન્દ્રિય છે, જે માટી તથા સોનાને સરખું ગણે છે તે યોગી "યોગસિદ્ધ" કહેવાય છે.(૮)

🙏सुहृन्मित्रार्युदासीनमध्यस्थद्वेष्यबन्धुषु ।
साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते ॥६-९॥

સુહ્યદ, મિત્ર, શત્રુ, ઉદાસીન, મધ્યસ્થ, દ્વેષ ને પાત્ર અને સંબંધીજનમાં, સાધુઓમાં કે પાપીઓમાં જે યોગીની સમબુદ્ધિ હોય છે,તે સર્વ માં શ્રેષ્ઠ યોગી છે.

योगी युञ्जीत सततमात्मानं रहसि स्थितः ।
एकाकी यतचित्तात्मा निराशीरपरिग्रहः ॥६-१०॥

માટે યોગીઓએ ચિત્ત ને તથા દેહ ને વશ કરી, આશારહિત અને પરીગ્રહરહિત થઈને, એકાંત માં નિવાસ કરી અંત:કરણને સદા યોગાભ્યાસ માં જોડવું.(૧૦)

शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः ।
नात्युच्छ्रितं नातिनीचं चैलाजिनकुशोत्तरम् ॥६-११॥

યોગીએ પવિત્ર સ્થાનમાં પહેલાં દર્ભ, તેના પર મૃગચર્મ અને તેના પર આસન પાથરવું. એ આસન પર સ્થિરતાથી બેસવું, આસન વધુ પડતું ઊંચું કે નીચું ન રહે તેનું ધ્યાન રાખવું.(૧૧)

तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः ।
उपविश्यासने युञ्ज्याद्योगमात्मविशुद्धये ॥६-१२॥

તૈયાર કરેલા તે આસન પર બેસી, ચિત્તને એકાગ્ર કરી, ઈન્દ્રિયોને જીતી, પોતાના અંત:કરણની શુદ્ધિ માટે યોગ નો અભ્યાસ કરવો.(૧૨)

समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः ।
सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् ॥६-१३॥

સાધકે સ્થિર થઈને પોતાનો દેહ, મસ્તક અને ડોકને સ્થિર રાખવાં, પછી પોતાની નાસિકના અગ્રભાગ પર દ્રષ્ટિ સ્થિર કરી, આમતેમ ન જોતાં યોગનો અભ્યાસ શરૂ કરવો.(૧૩)

प्रशान्तात्मा विगतभीर्ब्रह्मचारिव्रते स्थितः ।
मनः संयम्य मच्चित्तो युक्त आसीत मत्परः ॥६-१४॥

યોગીએ અંત:કરણ ને શાંત બનાવી, નિર્ભયતા પૂર્વક,બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, પછી મનનો સંયમ કરી, મારું ચિંતન કરતાં, મારા પરાયણ થઇ ધ્યાનમગ્ન રહેવું.(૧૪)

युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः ।
शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति ॥६-१५॥

આ રીતે અંત:કરણ ને નિરંતર પરમેશ્વરના સ્વરૂપમાં લગાડીને, સ્વાધીન મનવાળો યોગી મારામાં સ્થિતિરૂપ પરમાનંદ જ પરાકાષ્ઠાવાળી શાંતિને પ્રાપ્ત કરે છે.(૧૫)

नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नतः ।
न चाति स्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन ॥६-१६॥

હે અર્જુન ! વધુ આહાર કરવાથી અથવા નિરાહાર રહેવાથી યોગ સાધી શકાતો નથી. તે જ રીતે વધુ નિદ્રા લેનાર કે અતિ ઓછી નિદ્રા લેનારથી પણ યોગ સાધી શકાતો નથી.(૧૬)

युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु ।
युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखहा ॥६-१७॥

જેનો આહાર વિહાર યુક્ત હોય, જેનાં કર્માચરણ યોગ્ય હોય અને જેની નિદ્રા અને જાગૃતિ પ્રમાણસર ની હોય છે તે પુરુષ યોગ સાધી શકે છે. અને તેના દુઃખોનો નાશ કરી નાખેછે.(૧૭)

यदा विनियतं चित्तमात्मन्येवावतिष्ठते ।
निःस्पृहः सर्वकामेभ्यो युक्त इत्युच्यते तदा ॥६-१८॥

જયારે યોગીનું વશ થયેલું ચિત્ત આત્મામાં જ સ્થિર રહે છે, તેની સર્વ કામનાઓ નિ:સ્પૃહ બની જાય છે ત્યારે તે યોગી સમાધિષ્ઠ કહેવાય છે.(૧૮)

यथा दीपो निवातस्थो नेङ्गते सोपमा स्मृता ।
योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः ॥६-१९॥

જેમ વાયુરહિત સ્થાનમાં રહેલો દીપક ડોલતો નથી, તેમ સમાધિનિષ્ઠ યોગી નું મન ચલિત થતું નથી.(૧૯)

यत्रोपरमते चित्तं निरुद्धं योगसेवया ।
यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति ॥६-२०॥

યોગાભ્યાસથી સંયમિત થયેલું ચિત્ત કર્મથી નિવૃત થાય છે, જયારે યોગી પોતાના નિર્મળ થયેલાં અંત:કરણમાં પરમાત્માનો સાક્ષાત્કાર પામી પોતાના જ સ્વરૂપમાં સંતોષ પામે છે.(૨૦)

सुखमात्यन्तिकं यत्तद् बुद्धिग्राह्यमतीन्द्रियम् ।
वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वतः ॥६-२१॥

જયારે સુક્ષ્મબુધ્ધીથી ગ્રાહ્ય અને ઇન્દ્રિયોથી અગ્રાહ્ય એવું પરમ સુખ પામે છે ત્યારે તે સ્થિર થયેલો યોગી બ્રહ્મ્સ્વરૂપમાંથી ચલિત થતો નથી.(૨૧)

यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं ततः ।
यस्मिन्स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते ॥६-२२॥

આ સ્થિતિ પ્રાપ્ત થતાં યોગી બીજા કોઈ લાભને અધિક માનતો નથી અને ગમે તેવા દુઃખો આવે છતાં તેનું ચિત્ત સ્વરૂપાનંદથી વિચલિત થતું નથી.(૨૨)

तं विद्याद्‌दुःखसंयोगवियोगं योगसंज्ञितम् ।
स निश्चयेन योक्तव्यो योगोऽनिर्विण्णचेतसा ॥६-२३॥

જેમાં જરાય દુઃખનો સંચાર થતો નથી અને જે દુઃખના સંબંધને તોડી નાખે છે તેને જ યોગ કહેવાય છે. આ યોગ પ્રસન્ન ચિત્ત વડે અને દઢ નિશ્ચયથી સાધ્ય કરવો.(૨૩)

संकल्पप्रभवान्कामांस्त्यक्त्वा सर्वानशेषतः ।
मनसैवेन्द्रियग्रामं विनियम्य समन्ततः ॥६-२४॥

સંકલ્પથી ઉત્પન્ન થતી સર્વ વાસનાઓનો ત્યાગ કરી, મનથી જ સર્વ ઈન્દ્રિયોને સર્વ રીતે જીતી ને (૨૪)

शनैः शनैरुपरमेद्‌बुद्ध्या धृतिगृहीतया । 
आत्मसंस्थं मनः कृत्वा न किंचिदपि चिन्तयेत् ॥६-२५॥

તથા ધીરજવાળી બુદ્ધિથી ધીમે ધીમે આત્મસ્વરૂપમાં સ્થિર થવું અને મનને એ રીતે સ્થિર કરી બીજું કોઈ ચિંતન કરવું નહિ.(૨૫)

यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरम् ।
ततस्ततो नियम्यैतदात्मन्येव वशं नयेत् ॥६-२६॥

આ ચંચળ મન જ્યાં જ્યાં ભટકે ત્યાંથી નિગ્રહ વડે પાછું વાળીને આત્મસ્વરૂપમાં જ સંલગ્ન કરવું.(૨૬)

प्रशान्तमनसं ह्येनं योगिनं सुखमुत्तमम् ।
उपैति शान्तरजसं ब्रह्मभूतमकल्मषम् ॥६-२७॥

જે યોગીનું ચિત્ત સંતોષ પામ્યું છે, જેનો રજોગુણ નાશ પામ્યો છે અને જે બ્રહ્મસ્વરૂપ બની નિષ્પાપ બની ગયો છે, તે યોગી બ્રહ્મસુખ મેળવે છે.(૨૭)

युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मषः ।
सुखेन ब्रह्मसंस्पर्शमत्यन्तं सुखमश्नुते ॥६-२८॥

આ પ્રમાણે સતત આત્મ વિષયક યોગ કરનાર નિષ્પાપ યોગી, જેમાં બ્રહ્મનો અનુભવ રહેલો છે, એવું અત્યંત સુખ અનાયાસે મેળવે છે.

सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि ।
ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः ॥६-२९॥

જે સર્વત્ર સમદ્રષ્ટિ રાખે છે એ યોગીપુરુષ સર્વ ભૂતોમાં પોતાના આત્મા ને અને પોતાના આત્મામાં સર્વ ભૂતોને જુવેછે.(૨૯)

मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति ।
तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति ॥६-३०॥

જે યોગી સર્વ ભૂતોમાં મને જુવે છે અને મારામાં સર્વ ભૂતોને જુવે છે, તેની દ્રષ્ટિ સમક્ષ જ હું રહું છું.(૩૦)

सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः ।
सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते ॥६-३१॥

જે યોગી એકનિષ્ઠાથી સર્વ ભૂતોમાં રહેલા મને ભજે છે, તે કોઈ પણ રીતે વર્તતો હોય તો પણ મારા સ્વરૂપમાં જ રહે છે.(૩૧)

आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन । 
सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः ॥६-३२॥

હે અર્જુન ! જે યોગી પોતાની જેમ જ સર્વ ને સુખ-દુઃખની અનુભૂતિ થાય છે એવી સમદ્રષ્ટિ થી જુવે છે, તે મને પરમ માન્ય છે.(૩૨)

योऽयं योगस्त्वया प्रोक्तः साम्येन मधुसूदन ।
एतस्याहं न पश्यामि चञ्चलत्वात्स्थितिं स्थिराम् ॥६-३३॥

અર્જુન કહે: હે મધુસુદન ! તમે જે સમદ્રષ્ટિ નો યોગ કહ્યો તે યોગની અચલ સ્થિતિ મનની ચંચળતા ને લીધે રહી શકે તેમ લાગતું નથી.

चञ्चलं हि मनः कृष्ण प्रमाथि बलवद्‌दृढम् ।
तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ॥६-३४॥

હે શ્રી કૃષ્ણ ! મન અતિ ચંચળ છે. તે કોઈ પણ કામના ને સિદ્ધ થવા દેતું નથી. તે બળવાન અને અભેદ્ય છે. તેનો નિગ્રહ કરવો એ વાયુને રોકવા જેટલું કઠીન છે, એવું મને લાગે છે.(૩૪)

असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् ।
अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते ॥६-३५॥

શ્રી ભગવાન કહે : હે મહાબાહો ! મન ચંચળ હોવાથી તેનો નિગ્રહ કરવો કઠીન જ છે, એ વાત નિ:સંશય હું માનું છું, પરંતુ હે કાંન્ન્તેય ! વૈરાગ્ય અને અભ્યાસ ના યોગ થી તેને પણ સ્વાધીન કરી શકાય છે.(૩૫)

असंयतात्मना योगो दुष्प्राप इति मे मतिः ।
वश्यात्मना तु यतता शक्योऽवाप्तुमुपायतः ॥६-३६॥

જે મન નો નિગ્રહ કરવાનો અભ્યાસ કરતો નથી તેને યોગ પ્રાપ્ત થતો નથી. જે અંત:કરણ ને વશ કરી મનનો નિગ્રહ કરવાનો યત્ન કરે છે, તેને પ્રયત્ન વડે યોગ પ્રાપ્ત થાય છે. એવો મારો મત છે.(૩૬)

अयतिः श्रद्धयोपेतो योगाच्चलितमानसः ।
अप्राप्य योगसंसिद्धिं कां गतिं कृष्ण गच्छति ॥६-३७॥

અર્જુન કહે: હે શ્રી કૃષ્ણ ! જે સાધક શ્રદ્ધાવાન હોવા છતાં પ્રયત્ન કરતો નથી, જેનું મન અંતકાળે યોગ માંથી ચ્યુત થયું છે, એવા પુરુષ યોગસિધ્ધિ ન પામતાં કઈ ગતિ પામે છે?(૩૭)

कच्चिन्नोभयविभ्रष्टश्छिन्नाभ्रमिव नश्यति । 
अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मणः पथि ॥६-३८॥

હે શ્રી કૃષ્ણ ! મોહવશ થયેલો યોગી બ્રહ્મમાર્ગમાં જતાં કર્મમાર્ગ અને યોગમાર્ગ એમ બંને માર્ગથી ભ્રષ્ટ થઇ વિખરાઈ જતાં વાદળોની જેમ નાશ નથી પામતો?(૩૮)

एतन्मे संशयं कृष्ण छेत्तुमर्हस्यशेषतः ।
त्वदन्यः संशयस्यास्य छेत्ता न ह्युपपद्यते ॥६-३९॥

હે શ્રી કૃષ્ણ ! મારી આ શંકા ને નિર્મૂળ કરવા આપ જ સમર્થ છો. આ શંકા ને દુર કરવા આપ સિવાય બીજું કોઈ સમર્થ નથી.(૩૯)

पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते ।
न हि कल्याणकृत्कश्चिद्‌दुर्गतिं तात गच्छति ॥६-४०॥

શ્રી ભગવાન કહે: હે પાર્થ ! જે યોગની ઇચ્છાવાળો પુરુષ હોય છે તે આ લોક કે પરલોક થી વંચિત રહેતો નથી. હે તાત ! સત્કર્મો કરનાર મનુષ્યની કદી પણ દુર્ગતિ થતી નથી.(૪૦)

प्राप्य पुण्यकृतां लोकानुषित्वा शाश्वतीः समाः ।
शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते ॥६-४१॥

યોગભ્રષ્ટ મનુષ્ય મહાન પુણ્યકર્મ થી મળતાં સ્વર્ગાદિ સુખો પ્રાપ્ત કરી જયારે મૃત્યુલોક માં આવે છે ત્યારે પવિત્ર તથા શ્રીમંત કુળમાં જન્મ ધારણ કરે છે.

अथवा योगिनामेव कुले भवति धीमताम् ।
एतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशम् ॥६-४२॥

અથવા બુદ્ધિશાળી યોગીના કુળમાં જ આવા યોગભ્રષ્ટ મનુષ્યો જન્મ લે છે, કારણ કે આવા પ્રકાર નો જન્મ આ લોકમાં દુર્લભ છે. જેનો યોગીના કુળમાં જન્મ થાય છે.(૪૨)

तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदेहिकम् ।
यतते च ततो भूयः संसिद्धौ कुरुनन्दन ॥६-४३॥

એટલે પૂર્વ જન્મની યોગબુદ્ધિ નો તેનામાં જલ્દી વિકાસ થાય છે. અને તે મનુષ્ય યોગ સિધ્ધિ માટે પુન: અભ્યાસ કરવામાં લાગી જાય છે.(૪૩)

पूर्वाभ्यासेन तेनैव ह्रियते ह्यवशोऽपि सः ।
जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मातिवर्तते ॥६-४४॥

ઉત્તમ કુળમાં જન્મ લઈને જો તે પરતંત્ર હોય તોયે પૂર્વજન્મના યોગના અભ્યાસને લીધે તે યોગ તરફ વળે છે. યોગના જીજ્ઞાસુઓને વેદાચરણ ના ફળ કરતાં વિશેષ ફળ મળે છે.(૪૪)

प्रयत्नाद्यतमानस्तु योगी संशुद्धकिल्बिषः ।
अनेकजन्मसंसिद्धस्ततो याति परां गतिम् ॥६-४५॥

કિન્તુ નિયમપૂર્વક અભ્યાસ કરનાર સર્વ પાપમાંથી મુક્ત થતો અને અનેક જન્મોથી એ જ અભ્યાસ કરતો રહેલો યોગી પરમગતિ ને પ્રાપ્ત થાય છે.

तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिकः ।
कर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन ॥६-४६॥

તપસ્વી, જ્ઞાની તથા કર્મ કરનાર કરતાંયોગી વધુ શ્રેષ્ઠ છે, માટે હે અર્જુન ! તું યોગી બન.(૪૬)

योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना ।
श्रद्धावान् भजते यो मां स मे युक्ततमो मतः ॥६-४७॥

સર્વ યોગીઓમાં પણ જે યોગી મારી સાથે શ્રદ્ધાપૂર્વક એકતા પામી મને ભજે છે તે મને પરમ માન્ય છે.(૪૭)

...અધ્યાય ૬, આત્મ સન્યાસ યોગ સમાપ્ત...

અધ્યાય ૭: જ્ઞાન-વિજ્ઞાન યોગ


मय्यासक्तमनाः पार्थ योगं युञ्जन्मदाश्रयः ।
असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु ॥७-१॥

ભગવાન કહે હે પાર્થ ! મારામાં ચિત્ત પરોવીને, કેવળ મારો જ આશ્રય કરી યોગાભ્યાસ દ્વારા મારા પૂર્ણ સ્વરૂપને તું જાણી લેશે, એમાં જરાય શંકા નથી, તો તે વિશે સાંભળ. (૧)

ज्ञानं तेऽहं सविज्ञानमिदं वक्ष्याम्यशेषतः ।
यज्ज्ञात्वा नेह भूयोऽन्यज्ज्ञातव्यमवशिष्यते ॥७-२॥

હું તને વિજ્ઞાનસહીત તે જ્ઞાન કહીશ. તે જાણ્યા પછી આ લોકમાં બીજું કંઈ જાણવાનું બાકી રહેતું નથી.(૨)

मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये ।
यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः ॥७-३॥

હજારો મનુષ્યોમાંથી કોઈક જ મનેપામવાનો યત્ન કરે છે. મારા માટે યત્ન કરવાવાળા સિદ્ધોમાંથી માંડ એકાદ મને સત્ય સ્વરૂપમાં ઓળખી શકે છે. (૩)

मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये ।
यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः ॥७-३॥

હજારો મનુષ્યોમાંથી કોઈક જ મનેપામવાનો યત્ન કરે છે. મારા માટે યત્ન કરવાવાળા સિદ્ધોમાંથી માંડ એકાદ મને સત્ય સ્વરૂપમાં ઓળખી શકે છે. (૩)

भूमिरापोऽनलो वायुः खं मनो बुद्धिरेव च ।
अहंकार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा ॥७-४॥

મારી પ્રકૃતિ ભૂમિ, જળ, વાયુ, તેજ, આકાશ, મન,બુ દ્ધિ અને અહંકાર એમ આઠ ભાગ માં વિભાજીત થયેલી છે.(૪)

अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम् ।
जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत् ॥७-५॥

હે મહાબાહો ! એતો મારી અપરા એટલે કે ગૌણ પ્રકૃતિ છે. એનાથી અલગ જે મારી જીવ ભૂત પ્રકૃતિ છે તે પરા પ્રકૃતિ છે. તેનાથી જ આ જગત ધારણ કરવામાં આવ્યું છે.(૫)

एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय ।
अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तथा ॥७-६॥

આ બંને પ્રકૃતિઓથી જ સર્વ ભૂતોની ઉત્પતિ થયેલી છે. એ પ્રકૃતિ દ્વારા હું સમગ્ર વિશ્વ ની ઉત્પતિ અને લય કરું છું.(૬)

मत्तः परतरं नान्यत्किंचिदस्ति धनंजय ।
मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव ॥७-७॥

હે ધનંજય ! મારાથી પર અને શ્રેષ્ઠ બીજું કંઈ જ નથી. દોરા માં જેમ મણકા પરોવાયેલા હોય છે, તેમ આ સર્વ જગત મારા માં ઓતપોત થતું પરોવાયેલું છે.(૭)

रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययोः ।
प्रणवः सर्ववेदेषु शब्दः खे पौरुषं नृषु ॥७-८॥

હે કાંન્ત્તેય ! જળમાં રસ હું છું, સુર્ય-ચંદ્ર માં તેજ હું છું, સર્વ વેદો માં ઓમકાર પ્રણવ હું છું. આકાશમાં શબ્દ અને પુરુષ નું પરાક્રમ હું છું.(૮)

पुण्यो गन्धः पृथिव्यां च तेजश्चास्मि विभावसौ । 
जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु ॥७-९॥

તે જ રીતે પૃથ્વીમાં ઉત્તમ ગંધ હું છું, અગ્નિમાં તેજ હું છું, સર્વ ભૂતોમાં જીવન હું છું અને તપસ્વીઓનું તપ પણ હું જ છું.(૯)

बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनम् ।
बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम् ॥७-१०॥

હે પાર્થ ! સર્વ ભૂતોનું સનાતન બીજ હું છું, બુદ્ધિશાળીઓની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ હું છું.(૧૦)

बलं बलवतां चाहं कामरागविवर्जितम् ।
धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ ॥७-११॥

બળવાનો માં વાસના અને દ્વેષ વિનાનું બળ હું છું, હે ભરતશ્રેષ્ઠ ! ધર્મ વિરુદ્ધ જાય નહિ તેવો સર્વ પ્રાણીઓમાં “કામ" પણ હું છું.(૧૧)

ये चैव सात्त्विका भावा राजसास्तामसाश्च ये ।
मत्त एवेति तान्विद्धि न त्वहं तेषु ते मयि ॥७-१२॥

જે સાત્વિક,રાજસ અને તામસવિકારો છે તે પણ મારાથી ઉત્પન થયેલા છે, પરંતુ હું તેમાં સમાયેલો નથી, તેઓ મારામાં સમાયેલા છે.(૧૨)

त्रिभिर्गुणमयैर्भावैरेभिः सर्वमिदं जगत् ।
मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययम् ॥७-१३॥

આ ત્રિગુણાત્મક વિકારોથી સમસ્ત જગત મોહિત થઇ ગયું છે, તેથી ગુણાતીત અને અવિનાશી એવા મને એ જગત જાણતું નથી.(૧૩)

दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया ।
मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते ॥७-१४॥

કેમકે અતિ દિવ્ય અને ત્રિગુણાત્મક એવી મારી માયા દુસ્તર છે. જે મનુષ્ય મારા શરણે આવે છે તે જ એ માયા રૂપી નદીને તરી જાય છે.(૧૪)

न मां दुष्कृतिनो मूढाः प्रपद्यन्ते नराधमाः ।
माययापहृतज्ञाना आसुरं भावमाश्रिताः ॥७-१५॥

આ દુસ્તર માયાથી જેમનું જ્ઞાન નષ્ટ થયું છે તથા જેમણે આસુરી પ્રકૃતિનો આશ્રય કર્યો છે તેવા પાપી, મૂઢ અને નરાધમ મનુષ્યો મારે શરણે આવતા નથી.(૧૫)

चतुर्विधा भजन्ते मां जनाः सुकृतिनोऽर्जुन ।
आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ ॥७-१६॥

હે ભરતશ્રેષ્ઠ ! આર્ત, જિજ્ઞાસુ, અથાર્થી અને જ્ઞાની એમ ચાર પ્રકારના મનુષ્યો મને ભજે છે.(૧૬)

तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते ।
प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं स च मम प्रियः ॥७-१७॥

તેમાં જ્ઞાની જનો, નિરંતર મારામાં લીન રહી એકનિષ્ઠા થી મારી ભક્તિ કરે છે, તેથી તેઓ શ્રેષ્ઠ છે. આવા જ્ઞાની જનો ને હું અત્યંત પ્રિય છું અને તેઓ મને અત્યંત પ્રિય છે.(૧૭)

उदाराः सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम् ।
आस्थितः स हि युक्तात्मा मामेवानुत्तमां गतिम् ॥७-१८॥

એ સર્વશ્રેષ્ઠ છે, પરંતુ જ્ઞાની તો મારો આત્મા છે. એમ હું માનું છું કારણકે તે મારામાં ચિત પરોવી મને જ સર્વોતમ માની મારો આશ્રય કરે છે.(૧૮)

बहूनां जन्मनामन्ते ज्ञानवान्मां प्रपद्यते ।
वासुदेवः सर्वमिति स महात्मा सुदुर्लभः ॥७-१९॥

“અનેક જન્મો પછી સર્વ કંઈ વાસુદેવ રૂપ છે” જેને એવું જ્ઞાન પરિપક્વ થયું છે, એવા જ્ઞાનીને મારી પ્રાપ્તિ થાય છે એવા મહાત્મા અતિ દુર્લભ છે.(૧૯)

कामैस्तैस्तैर्हृतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः ।
तं तं नियममास्थाय प्रकृत्या नियताः स्वया ॥७-२०॥

જે અજ્ઞાનીઓ નું પોતાના સ્વભાવ ને વશ થવાથી અને વિવિધ કામનાઓથી જ્ઞાન નષ્ટ થયું છે તે મારા-આત્મરૂપ વાસુદેવથી ભિન્ન ઈતર દેવતાઓની ઉપાસના કરે છે.(૨૦)

यो यो यां यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति ।
तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम् ॥७-२१॥

જે ભક્ત, જે દેવતામાં ભક્તિભાવથી તેની આરાધના કરે છે, તેની તે શ્રદ્ધાને તે દેવતામાં હું જ સ્થિર કરું છું.(૨૧)

स तया श्रद्धया युक्तस्तस्याराधनमीहते । 
लभते च ततः कामान्मयैव विहितान्हि तान् ॥७-२२॥

એ તે પ્રકારની શ્રદ્ધા રાખી તે દેવની આરાધના કરે છે અને પછી મેં નિર્માણ કરેલી તેની તે કામનાઓ પૂર્ણ થાય છે.(૨૨)

अन्तवत्तु फलं तेषां तद्भवत्यल्पमेधसाम् ।
देवान्देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि ॥७-२३॥

અન્ય દેવતાઓને ભજવાથી અજ્ઞાની મનુષ્યોને પ્રાપ્ત થયેલું તે ફળ નાશવંત હોય છે. દેવતાઓના ભક્ત દેવતાઓને પામે છે અને મારા ભક્તો મને પામે છે.(૨૩)

अव्यक्तं व्यक्तिमापन्नं मन्यन्ते मामबुद्धयः ।
परं भावमजानन्तो ममाव्ययमनुत्तमम् ॥७-२४॥

મારા ઉત્કૃષ્ટ, અવિનાશી અને અતિ ઉત્તમ ભાવને ન જાણનારા અજ્ઞાની લોકો, હું અવ્યક્ત હોવા છતાં મને સાકાર માને છે.(૨૪)

नाहं प्रकाशः सर्वस्य योगमायासमावृतः ।
मूढोऽयं नाभिजानाति लोको मामजमव्ययम् ॥७-२५॥

હું યોગમાયાથી આવ્રાયેલો છું, આથી સર્વ ને સ્પષ્ટ પણે દેખાતો નથી. આથી મૂઢ મનુષ્યો અજન્મા અને અવિનાશી એવા મને જાણતા નથી.(૨૫)

वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन ।
भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन ॥७-२६॥

હે અર્જુન ! પહેલાં થઇ ગયેલા, અત્યારે થઇ રહેલા અને હવે પછી થનારા સઘળા ભૂતોને (પ્રાણીઓને) હું જાણું છું, પરંતુ મને કોઈ જાણતું નથી.(૨૬)

इच्छाद्वेषसमुत्थेन द्वन्द्वमोहेन भारत ।
सर्वभूतानि संमोहं सर्गे यान्ति परन्तप ॥७-२७ll

હે પરંતપ ! ઈચ્છા અને ઈર્ષાથી ઉત્પન થયેલા સુખદુઃખ રૂપી મોહથી સર્વ ભૂતો (પ્રાણીઓ) પ્રમાદી બનીને ઉત્પતિ સમયે ઘણી દ્વિઘા માં પડી જાય છે.(૨૭)

येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणाम् ।
ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः ॥७-२८॥

પરંતુ સતકર્મો ના પુણ્ય ભાવે જેનાં પાપો નાશ પામ્યાં છે, તે દઢ નિશ્વયી મનુષ્યો સુખ-દુઃખની મોહજાળ થી મુક્ત થઇ ને મને ભજે છે.(૨૮)


Post a Comment

0 Comments